અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે હાલ કાળઝાળ ગરમી વચ્ચે માનવસેવાનું અનોખું ઉદાહરણ જોવા મળી રહ્યું છે. શહેરના નવા બસ સ્ટેન્ડ પાસે છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત ‘ઉષાબેન દિનેશભાઈ શાહ વરિયાળી શરબત કેન્દ્ર’ લોકો માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે.
૪૪ ડિગ્રી સુધી પહોંચેલા તાપમાન વચ્ચે શ્રી દિનેશચંદ્ર બાલચંદ દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરરોજ ૪૫૦૦થી વધુ મુસાફરો, શ્રમિકો અને નાગરિકોને નિ:શુલ્ક વરિયાળી અને લીંબુનું ઠંડુ શરબત પીવડાવવામાં આવી રહ્યું છે. આકરી ગરમીમાં શરીરને ઠંડક પહોંચાડવા તથા લૂ અને ડિહાઈડ્રેશનથી બચાવવા માટે આ સેવા અત્યંત ઉપયોગી બની રહી છે.
આયુર્વેદિક દ્રષ્ટિએ વરિયાળી, લીંબુ, સાકર અને ફુદીનો શરીરને શીતળતા પ્રદાન કરે છે. તેથી આ શરબત માત્ર તરસ જ નથી બુઝાવતું, પરંતુ ગરમીથી થતી અસ્વસ્થતા સામે પણ રાહત આપે છે.
ટ્રસ્ટના પ્રમુખ મીલનભાઈ દોશી અને નિયામક પરાગભાઈ ત્રિવેદી સહિત સ્વયંસેવકો દ્વારા સમગ્ર સેવા વ્યવસ્થાનું સુચારૂ સંચાલન કરવામાં આવી રહ્યું છે. સેવા કેન્દ્ર પર આવતા દરેક વ્યક્તિને આત્મીયતાપૂર્વક અને વ્યવસ્થિત રીતે શરબત પીરસવામાં આવે છે.
સંચાલકોના જણાવ્યા અનુસાર, “જ્યારે ૪૪ ડિગ્રી ગરમીમાં પરસેવાથી તરબતર મુસાફર શરબત પીધા બાદ રાહતનો અનુભવ કરે છે, ત્યારે એ જ અમારી સેવા કાર્યની સાચી સફળતા છે.”
શહેરના અગ્રણીઓ અને પ્રબુદ્ધ નાગરિકોએ ટ્રસ્ટની આ નિ:સ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિની મુક્તકંઠે પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આવી અસહ્ય ગરમીમાં હજારો લોકોને નિ:શુલ્ક પૌષ્ટિક ઠંડક પહોંચાડવાનું કાર્ય ખરેખર વંદનીય છે. સાવરકુંડલાની જનતા મોટી સંખ્યામાં આ સેવાનો લાભ લઈ રહી છે અને ટ્રસ્ટની આ ઉમદા ભાવનાને બિરદાવી રહી છે.
રિપોર્ટ : સતીશ બી. પાંડે
બ્યુરો ચીફ, ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ
ગુજરાત પ્રવાસી ન્યૂઝ






