સાવરકુંડલા: સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાજિક એકતાનો સંદેશ પ્રસરાવતી ડૉ. ભીમરાવ આંબેડકર સામાજિક સમરસતા યાત્રા સાવરકુંડલા શહેરમાં પ્રવેશતા જ વિશાળ જનસમુદ્ર ઉમટી પડ્યો હતો। શહેરના મુખ્ય માર્ગો લોકોના મહાસાગરથી છલકાઈ ઉઠ્યા હતા અને હિન્દવઃ સોદરા સર્વે”*ના ગગનભેદી નાદ સાથે સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભાવના અને ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું।આ યાત્રા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત છે અને ગુજરાત ક્ષેત્રના સમરસતા પ્રમુખ રસેશભાઈ રાવલના માર્ગદર્શન હેઠળ આગળ વધી રહી છે। તેમના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ યાત્રાનો મુખ્ય હેતુ સમાજમાં રહેલા જાતિભેદ અને અસમાનતાને દૂર કરી એકતા અને સમરસતા સ્થાપિત કરવાનો છે।સાવરકુંડલાના મુખ્ય રાજમાર્ગો પર નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં યુવાનો, વડીલો અને માતૃશક્તિ મોટી સંખ્યામાં જોડાયા હતા। ધ્વજ, બેનરો, ઢોલ-નગારા અને ગગનભેદી સૂત્રોચ્ચારો સાથે સમગ્ર નગર ઉત્સવમય બની ગયો હતો।યાત્રાના માર્ગમાં ઠેર-ઠેર સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા કરીને યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। નગરજનો દ્વારા ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમા અને રથને ભાવપૂર્વક નમન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી।આ પ્રસંગે રસેશભાઈ રાવલે જણાવ્યું કે સમાજમાં ઊંચ-નીચના કૃત્રિમ ભેદભાવોને દૂર કરી સમાનતા અને એકતાનું નિર્માણ કરવું સમયની જરૂરિયાત છે। તેમણે ભારપૂર્વક કહ્યું કે બાબાસાહેબના સમાનતાના સ્વપ્નને સાકાર કરવા માટે સમગ્ર સમાજનું સંગઠિત થવું અનિવાર્ય છે।આ કાર્યક્રમમાં યાત્રા સંયોજક આલકુભાઈ ખુમાણ, જિલ્લા અધ્યક્ષ વિપુલભાઈ પરમાર, જિલ્લા ઉપાધ્યક્ષ મગનભાઈ બારૈયા, જિલ્લા સહમંત્રી વિનોદભાઈ પરમાર, ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ સુમિતભાઈ મશરૂ, જિલ્લા સમરસતા સંયોજક પ્રીતેશભાઈ તેમજ નગરમંત્રી જતીનભાઈ ઠાકર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તમામ પદાધિકારીઓએ ખભેખભા મિલાવી યાત્રાનું સુચારુ સંચાલન કર્યું હતું।સ્થાનિક સાધુ-સંતો અને અગ્રણીઓએ પણ ઉપસ્થિત રહી *“હિન્દુ હિન્દુ ભાઈ ભાઈ, જાતપાતનો ત્યાગ કરો”*ના નારા સાથે સામાજિક સમરસતાનો સંકલ્પ લીધો હતો।આ યાત્રા માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સમાજમાં સમાનતા, ભાઈચારો અને એકતા મજબૂત બનાવવાનો સશક્ત પ્રયાસ બની રહી છે। સાવરકુંડલામાં મળેલું ભવ્ય સ્વાગત એ દર્શાવે છે કે લોકોમાં સામાજિક સમરસતા પ્રત્યે ઊંડો ઉત્સાહ અને સમર્પણ છે।રિપોર્ટ: બ્યુરો ચીફ સતીશ બી. પાંડે સ્થળ: સાવરકુંડલા (ગુજરાત) ગુજરાત પ્રવાસી ન્યૂઝ