અમદાવાદ:
વિશ્વ હિન્દુ પરિષદ – અમરાઈવાડી જિલ્લા અંતર્ગત ઇન્દ્રપુરી પ્રખંડમાં આવેલ સી.ટી.એમ. દરબાર નગર પાસેના આંબેડકર કોર્ટસ ખાતે આજે સંત શિરોમણી શ્રી રવિદાસજીની જન્મતિથિના પાવન અવસરે **‘સામાજિક સમરસતા સંગોષ્ઠિ’**નું ભવ્ય અને ઉત્સાહસભર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ સમાજોના આગેવાનો, કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકોની મોટી સંખ્યામાં હાજરી રહી.
આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત શ્રી મહાવીરભાઈ ડાભી (માઇકલ ડાભી) – ડીસાવળ સમાજના યુવા અગ્રણી –એ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે,
સમાજમાં સામાજિક સમરસતા અત્યંત જરૂરી છે. આજના સમયમાં પ્રકૃતિ સંરક્ષણ આપણી સૌની સામૂહિક જવાબદારી બની ગઈ છે. દેશના યુવાઓ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોમાં જોડાઈ આત્મનિર્ભર બને અને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે તે સમયની માંગ છે.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સામાજિક સમરસતા ક્ષેત્રીય પ્રમુખ (ગુજરાત) શ્રી રશેશભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંત શ્રી રવિદાસજીના જીવન, વિચારો અને તેમના દ્વારા પ્રસ્થાપિત સમાનતા, ભાઈચારું અને માનવતા જેવા મૂલ્યો પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે સંત રવિદાસજીના વિચારો આજના સમાજ માટે અત્યંત પ્રાસંગિક છે અને તે સમાજને એકતા તરફ દોરી જાય છે.

