સાવરકુંડલા,
સાવરકુંડલાના સુથાર સમાજમાં એક અસાધારણ અને અત્યંત પ્રેરણાદાયક ઘટના બની છે. સ્વ. શ્રી ધનજીભાઈ બાબુભાઈ સોનિગરા (ઉંમર 75) ના અવસાન બાદ તેમની પાંચ દીકરીઓએ પિતાના અંતિમ સંસ્કારની તમામ વિધિઓ જાતે નિભાવતા સમાજને એક અદ્વિતીય સંદેશો આપ્યો છે.
સામાન્ય રીતે ધાર્મિક પરંપરા મુજબ અંતિમયાત્રામાં કાંધ આપવાનું અને અગ્નિદાહ કરવાનો હક પુત્રોને આપવામાં આવે છે. પરંતુ, સ્વ. ધનજીભાઈની પાંચેય દીકરીઓએ આ પરંપરાને તોડીને પોતાના પિતાને અંતિમ વિદાય આપી. અંતિમયાત્રામાં પાંચેય દીકરીઓએ સ્મશાન સુધી કાંધ આપ્યો અને પછી સ્વયં અગ્નિદાહ કરીને “દીકરો-દીકરી એક સમાન” ના વિચારને સાકાર કર્યો.
આ હૃદયસ્પર્શી દ્રશ્યોએ ઉપસ્થિત સૌને ભાવુક કર્યા હતા. સમાજના વડીલો તથા અગ્રણીઓએ દીકરીઓની આ હિંમત, પિતા પ્રત્યેની શ્રદ્ધા અને સંસ્કારને ખૂબ બિરદાવી હતી.
આ ઘટના સ્પષ્ટ પુરાવો છે કે દીકરીઓ પણ દીકરાની જેમ જ દરેક જવાબદારી નિભાવી શકે છે. સ્વ. શ્રી ધનજીભાઈએ જીવનમાં આપેલા ઉમદા સંસ્કારો આજે તેમની દીકરીઓના આ કાર્ય દ્વારા પ્રગટ થયા છે.
આ પ્રસંગે સાબિત થયું કે જ્યાં પ્રેમ અને શ્રદ્ધા હોય ત્યાં પરંપરાઓ કરતાં માનવતા અને કર્તવ્યનું પાલન વધારે મહત્વનું છે.
સાવરકુંડલા : સ્વ. ધનજીભાઈ સોનિગરા (75) ના અવસાન બાદ તેમની પાંચ દીકરીઓએ અંતિમ સંસ્કારની તમામ વિધિઓ નિભાવતાં “દીકરો-દીકરી એક સમાન” ના વિચારને કર્યો સાકાર 🙏
આ હૃદયસ્પર્શી ઘટનાએ સાબિત કર્યું કે પરંપરાઓ કરતાં માનવતા અને કર્તવ્યનું પાલન વધારે મહત્વનું છે।
📍 સમાદાતા – ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ
🌐 www.gujaratpravasi.news | www.gujaratpravasi.com
📞 81410 22666