Homeગુરૂ પૂર્ણિમાગુરુપૂર્ણિમાના પાવન પર્વે મારા ગુરુજી પ.પૂ.સ્વ.શ્રી હરસુરબાપા ભગતને ગુરુ વંદનાસહ શત્ શત્...

ગુરુપૂર્ણિમાના પાવન પર્વે મારા ગુરુજી પ.પૂ.સ્વ.શ્રી હરસુરબાપા ભગતને ગુરુ વંદનાસહ શત્ શત્ શત્ પ્રણામ સાથે સૌ મિત્રોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા………

બેટા જો શિષ્ય ગુરૂને ઓળખી ન શકે તો ગુરૂએ શિષ્યને ઓળખી લેવો જોઇએ થોડોક પાંહે આવ્ય !’ એમ કહેતા જમણો હાથ મારા માથા ઉપર મુકવાનો પ્રયત્ન કર્યો.

સંવાદદાતા: જયંતિભાઇ આહીર ગુરૂ પૂર્ણિમા
પાવનપર્વે ગુરૂ જીને અર્પણ ગુજરાત પ્રવાસી ન્યૂઝ અમદાવાદ       

નાનપણથી મારો સ્વભાવ ધાર્મિક રહ્યો છે, જોકે પિતાજીની જેમ હું પણ ધર્મ એટલે ક્રિયાકાંડ, ટિલાટપકા કે ભગવાનના નામે બાહ્ય આડંબરથી દૂર રહ્યો છું. ધર્મ એટલે હરિ સ્મરણ સાથે ગરીબ-જરૂરિયાતમંદ જીવમાત્રની સેવા સાથે નિતી, નિષ્ઠા અને સત્યને રાહે ચાલવાની નેમ સાથે મોજમાં રહેવું એવું હું માનું છું. નાનપણથી હું હરિ મહિમા સાથે સત્પુરુષોના જીવન ચરિત્રોનો અભ્યાસુ રહેતા ગુરુ તરીકે સંત પુરુષની સતત શોધમાં રહેતો. અને એ દિશામાં રજનીશજીથી લઇ ગુજરાત ઉપરાંત ભારતના નામી-અનામી અનેક સંતો-મહંતોને મળતા રહી સત્સંગનો લાભ લીધો પરંતુ મનોમન નક્કી કરેલ ગુરૂજીની વ્યાખ્યામાં મને કોઇ અનુકૂળ ન આવ્યા. જોકે ગુરુ માટે વર્ષોથી મને ફાંફાં મારતો જોઈ પિતાજી ઘણી વખત કહેતા, ‘ઇશ્વરકૃપા વગર ગુરુ સંયોગ થતો નથી !’
પિતાજી સ્વ.શ્રી હરસુરબાપા ભગતને 21 ડિસે. 1996ના કાર્ડિયાક તકલીફ થતા સિવિલ હોસ્પિટલ, રાજકોટ દાખલ કરતા અમદાવાદથી રાતના બે વાગ્યે મને હોસ્પિટલમાં આવેલો જોઇ પિતાજીએ કહ્યું, ‘તું આવી ગયો આ જોને બધાયે ભેગા થઇ મને દવાખાનામાં દાખલ કરી દીધો છે !’
રાતના ફરજ પરના મેડીકલ ઓફિસરને મળી પિતાજીની તબીયત અંગે જાણકારી મેળવી. સિવિલ હોસ્પિટલ રાજકોટના ફિઝીશ્યન ડૉ. ત્રિવેદી મારા મિત્ર હોઇ તેઓ ડોક્ટરોની ટીમ સાથે પિતાજીની ઘનિષ્ઠ સારવાર કરી રહ્યા હતા. જોકે 23 ડિસેમ્બર 1996થી તબીયત વધુ બગડતા સગા-સંબંધીઓને બોલાવી લીધા. 24 ડિસે. રાતના દસેક વાગ્યે ડૉ. ત્રિવેદીએ પિતાજીનું બીપી ચેક કરતા 30-60 હોઇ નવાઇ પામતા મને કહ્યું, ‘આ મેડીકલ ચમત્કાર કહેવાય આ કંડીશનમાં દર્દી અનકોન્સિયસ હોઇ એની જગ્યાએ બાપા માળા ફેરવી રહ્યા છે !’
‘દાક્તર સાહેબ, મારે દવાખાનામાં દેહત્યાગ કરવો નથી ! મને રજા આપો તો સૌ સ્નેહીજનોની હાજરીમાં ઘરે જઇ જીવનલીલા સંકેલવી છે !’
પિતાજીની અંતિમ ઇચ્છા સાંભળી ડોકટરે કાર્ડિયાક કંડીશન સુધરે તેવી કોઇ શક્યતા ન જોતા મને કહ્યું, ‘જયંતિભાઈ, જીવન-મૃત્યુ ઇશ્વર આધિન છે, બાપાની ઇચ્છા પુરી કરવી કે નહીં તે તમારા હાથમાં છે !’ ડોકટરની સલાહ સાથે પિતાજીની ઇચ્છાને માન આપતા સવારે હોસ્પિટલમાંથી રજા લઇ ઘેર જતા રહેવું તેવું સૌ પરિવારજનોને ભેગા કરી નિર્ણય લેતા પિતાજીએ ફરી કહ્યું. ‘જો અત્યારે જવાય તો સારૂં પણ કંઇ વાંધો નહીં જેવી ઠાકરની મરજી !’ ભારે હૈયે પિતાજીની ઇચ્છા અને ડૉકટરની સલાહ મુજબ વહેલી સવારે હોસ્પિટલમાંથી રજા લઈ ઘેર જવાનું નક્કી થતા પિતાજીની તબીયત જોવા બહારગામથી ઘણા સગા-સંબંધીઓ આવ્યા હોઇ તેની રહેવા-જમવાની વ્યવસ્થામાં સૌ લાગી ગયા. જોકે હું અને મોટા બહેન કમળાબેન બાપુજી પાસે રહ્યા. રાતના બારેક વાગતા પિતાજીએ મારો હાથ પકડી ધીરેથી કહ્યું, ‘મારે તને કંઇક આપવું છે !’
‘બાપુજી, તમારા આશિર્વાદથી મારી પાસે બધું છે, બસ તમે સાજા થઇ જાવ એટલે ઘેર જઇ તમારે જે આપવું હોઇ તે સૌની હાજરીમાં આપજો !’
‘બેટા હું જે આપવા માંગુ છું તેની કિંમત તારા સિવાય કોઇ નહીં સમજે !’ એમ કહેતા આંખથી ઇશારો કરતા નજીક બોલાવ્યો.
‘શું તારી શોધ પુરી થઇ ? તેં કોઇને ગુરુ બનાવ્યા ?’
‘પિતાજી, મારું મન માને તેવા સાધુ પુરુષ મળ્યા ન હોઇ કોને ગુરૂ બનાવું ?’
‘બેટા જો શિષ્ય ગુરૂને ઓળખી ન શકે તો ગુરૂએ શિષ્યને ઓળખી લેવો જોઇએ થોડોક પાંહે આવ્ય !’ એમ કહેતા જમણો હાથ મારા માથા ઉપર મુકવાનો પ્રયત્ન કર્યો.
‘બાપુજી આ હાથમાં બે બાટલા ચડાવ્યા છે, એટલે ડાબો હાથ માથા ઉપર મુકી આશિર્વાદ આપો !’
‘અરે એમ ન હોઇ જેમ થતું હોઇ તેમ થાય ! કમુ તું અહીં આવ્ય આજે હું જેન્તીને ગુરૂ મંત્ર આપું છું તેની તું સાક્ષી બન !’ પિતાજીની વાત સાંભળી મોટાબહેન આંખમાં અશ્રુ સાથે રડતા રડતા મારી બાજુમાં આવી ઊભા રહેતા પિતાજીએ જમણો હાથ મારે માથે મુકી મારા કાનમાં ધીરેધીરે રામ મંત્ર કહ્યો જે ગુરૂમંત્ર હોઇ અહીં રજૂ કરતો નથી.
‘બેટા 85 વર્ષના જીવન કાળમાં જીવમાત્ર દીન-દુ:ખીયાની સેવા અને ‘રામ’ સ્મરણથી મોટું મને કંઇ લાગ્યું નથી. શુદ્ધ આચરણ સાથે સત્ય રાહે ચાલતા પહાડ જેવા સંકટ ચપટીમાં ચોળાઇ જાય છે અને મેરૂ ડગે એવા કાર્ય મનમાં ધારશો તો એ પણ મારો કાળિયો ઠાકર પુરા કરી બતાવશે. આજે આપણા બેયની ઇચ્છા મોલડીના ઠાકરે પુરી કરી છે !’ થોડીવાર વિચારી આગળ કહ્યું, ‘બેટા મારા મૃત્યુ પછી મને ફુલ સમાધિ આપજો અને જીવનમાં મારાથી શ્રીમદ ભાગવત સપ્તાહ કરવાની બાકી રહી ગઇ હોઇ એ કરજો અને હા શક્ય હોઇ તો મારા અસ્થિ તિર્થસ્થાનોમાં વિસર્જીત કરજો !’
‘બાપુજી, તમે આ શું બોલો છો ? એક વખત તમે સાજા થઇ જાવ આપણે ધામધૂમથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરીશું !’ આમ કહેતા હું ધ્રુસ્કે ચડતા કમળાબેન પણ રડવા લાગતા પિતાજીએ હસતે મોઢે અમોને શાંત કરતા કહ્યું, ‘આ નશ્વરદેહનો દરેકે વહેલા મોડા ત્યાગ કરવાનો છે એટલે તો હું સમાધિ સ્વરૂપે જીવંત રહેવાની વાત કરું છું !’
રાતના જ ડિચાર્જ પેપર તૈયાર થઇ જતા સવારે હોસ્પિટલમાંથી રજા લઇ અમો ગામડે જવા નીકળ્યા. રાજકોટથી ચાલીસેક કિલોમીટર આપારતાનું મોલડી ગામ આવેલ છે. મારા પિતાજી મોટરકારની પાછલી સીટમાં મારા ખોળામાં માથુ રાખી સુતા હતા અને મારી બાજુમાં મારા માતુશ્રી જીવુમા બેઠા હતા. મોટાભાઇ વશરામભાઇ ગાડી ચલાવી રહ્યા હતા, તથા કરશનભાઇ આગળ સીટમાં બેઠા હતા. ચાલુ ગાડીમાં અચાનક પિતાજીના ચહેરા ઉપર સવારનો કુમળો તડકો પડતા તેઓએ ધીરેથી આંખો ઉઘાડી આકાશ સામે હાથનો ઇશારો કરતા કહ્યું, ‘મેં ત્યાં રામધન દાટ્યું છે, નિતીએ રહેશો તો સદૈવ તમારી ઉપર તે વરસતું રહેશે !’
ઘેર પહોંચતા ગામમાં વાયુ વેગે વાત ફેલાતા થોડીવારમાં ઘર, ફળિયું અને શેરીમાં માણસોની ભીડ જામી. જોકે પિતાજીની નાજૂક તબીયત છતાં સંપૂર્ણ સભાન અવસ્થામાં હોય જે લોકો તેમને મળતા તેને નામથી બોલાવી ‘રામ રામ’ કરતા. પિતાજીએ બપોરાનો સમય થતા જમવાની વ્યવસ્થા કરવાનું કહેતા શાક-રોટલા અને છાસનું ભોજન તૈયાર થતા દોઢસોએક લોકોએ સાથે બેસી ભોજન કર્યુ એ સાથે પોતા માટે કોફી બનાવડાવી બે ચમચી પીધી. જોકે ઘરમાં દાખલ થયા ત્યારથી જ પિતાજીની સુચના મુજબ ગીતાજીનું પઠન, શ્રીવિષ્ણૂ સહસ્ત્રનામાવલી, શ્રીહનુમાન ચાલીસા અને રામધૂન ક્રમશ: ચાલુ જ હતા. સૌએ જમી લીધું હોવાનું જાણી જાણે અનંતની યાત્રાએ જવાની ઉતાવળ હોઇ તેમ પિતાજીએ દાઢી કરાવી અને પેશાબ કરવા જવાનું કહેતા ઢોલીયા પર બેઠા કરી યુરોટબ મંગાવતા તેમણે નારાજ થતા કહ્યું, ‘ઘરમાં પેશાબ કરાય હું ચાલી નથી શકતો પણ મને તેડીને વાડામાં લઇ જાવ !’
પિતાજીની ઇચ્છાનુસાર વાડામાં લઇ ગયા. ઢોલીયા પર પાછા લાવતા સ્નાન કરવાની ઇચ્છા વ્યક્ત કરવા પગથી માથા સુધી ભીના કપડાથી શરીર સાફ કરતા ચહેરા પર સંતોષનો ભાવ જોવા મળ્યો. એ દરમિયાન ચોટીલાથી ફિઝીશ્યન આવતા પિતાજીની નાડી ચેક કરતા પલ્સ ન પકડાતા ડૉકટર નવાઇ સાથે પિતાજી સામે જોતા જ રહ્યા. તે જોઇ પિતાજીએ મોઢું મલકાવતા કહ્યું, ‘દાક્તર સાહેબ મારા શરીર પરથી આ બાટલા અને સોયો કાઢી નાંખો તો સારૂં !’ અને ડૉકટરે પિતાજીની ઇચ્છાને માન આપતા બાટલા અને સોયો દૂર કર્યા. પિતાજીએ બપોરનો દોઢેક વાગતા રામધૂન શરૂ કરાવતા સૌને હાથે ગંગાજળ પીવાની ઇચ્છા વ્યક્ત કરતા ઘર પરિવાર, સગા-સંબંધીઓ તેમજ ગામના લોકોએ રડતા રડતા પિતાજીના મોઢે ચમચી અડાડી ગંગાજળ પાયું. એ વખતે અનંતના માર્ગે જવાની જાણે ઉતાવળ હોઇ તેમ શરીર પરથી પહેરણ ઉતારી ઢોલીયા પર બેઠા થઇ પુછ્યું, ‘ગાયો ચરીને આવી ગઇ !’
‘ના, બાપુજી હજુ ગૌધણ આવ્યું નથી !’ મેં જવાબ આપતા મોટાભાઇ કરશનભાઇએ પિતાજીની મનનો ભાવ જાણી લેતા મને વચ્ચે રોકતા કહ્યું, ‘બાપુજી, વેળા થઇ ગઇ છે બસ ગાયો આવતી જ હશે !’
અર્ધોએક કલાક પછી પિતાજીએ સૌ સામે હેતાળ નજર ફેરવી બે હાથ જોડી ‘એ રામ રામ !’ કહેતા ઢોલીયા પર લંબાવ્યું અને જાણે ચમત્કાર થયો હોઇ તેમ તેમના પગના અંગુઠામાંથી જાણે એક અલૌકિક સ્વર ઉત્પન્ન થયો જે શબ્દોમાં વર્ણવી ન શકાય તેવો એ નાદ પગથી નાભી અને ત્યાંથી હૃદય – ભ્રુકુટી થઇ બ્રહ્મરંધને વિંધતો એ નાદ પવિત્ર નાતાલના દિવસે અનંતમાં વિલિન થઇ ગયો.
આજે ગુરૂ પૂર્ણિમાના અવસરે મારા ગુરુજી સ્વ.શ્રી હરસુરબાપા ભગતને અર્પણ કરતા આ પ્રસંગ આપ સૌ સમક્ષ રજૂ કર્યો છે, ગુરુ વિશેના તેમના વિચારો અહીં રજૂ કરું છું.
ગુ એટલે અંધકાર અને રુ એટલે પ્રકાશ.આમ અજ્ઞાનરૂપી અંધકારને જ્ઞાનરૂપી પ્રકાશથી દૂર કરે તે ગુરુ.
દરેક મનુષ્યમાં ગુરુ તત્વ રહેલું હોય અંતરાત્માનો અવાજ જ સાચો ગુરુ છે, ગુરુ તત્વ અનાદિ, અનંત અને અચળ હોય કબીર કહે છે, ‘અપની આંખસે દેખીયે, કહે દાસ કબીર….’
‘ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર;
ગુરુ સાક્ષાત પરંબ્રહ્મ તસ્મૈય શ્રી ગુરવે નમ :’
જે ગુરુથી જ્ઞાન પ્રાપ્તિ ન થાય તેને પડતા મૂકવામાં વિલંબ ન કરવો જોઈએ. ગુરુ દત્તાત્રેય એ પશુ, પંખી, જીવ-જંતુ સહીત ચોવીસ ગુરુ બનાવ્યા. આ ચોવીસ ગુરુમાંથી તેમણે કોઈને પડતા ન મૂક્યા કે કોઈ પ્રત્યે આદર ઓછો ન કર્યો. સ્કંદપુરાણનો એક શ્લોક ગુરુ-શિષ્યના સબંધ વિશે સરસ દ્રષ્ટાંત પુરુ પાડે છે.
મધુલુબ્ધો યથા ભૃંગ: પુષ્પાત્પુષ્પાન્તરં વૃણેત્ l
જ્ઞાનલુબ્ધસ્તથા શિષ્યો ગુરોગુર્ધન્તરં વ્રજેત્ ll
જેમ ભમરો મધના લોભમાં એક પુષ્પથી બીજા પુષ્પ ઉપર ઉડાઉડ કરે છે, તેમ જ્ઞાનની જિજીવિષા ધરાવતા શિષ્યે પણ એક ગુરુ પાસેથી બીજા ગુરુ પાસે જવામાં કોઈ સંકોચ ન રાખવો જોઈએ. જો કે આજના જમાનામાં પોતાનો શિષ્ય અન્ય કોઇ ગુરુ પાસે જાય તો મોટી હોહા થઇ જાય છે. આવા ગુરુઓને શિષ્યના આધ્યાત્મિક કલ્યાણમાં નહીં, તેના તરફથી મળતા ધનમાં જ રસ હોય છે. જોકે ગુરુ બનાવવા એ સો ગરણે પાણી ગાળીને પીવા જેવું અઘરું છે. ધર્મના નામે દંભ કરનારાને ગુરુ બનાવવો એ આંધળાને રસ્તો પુછવા જેવું છે. મારા ગુરુજી સ્વ.શ્રી હરસુરભાઈ ભગત હંમેશા કહેતા કે,
મન, મોતી અને દૂધ, ત્રણેયનો એક સ્વભાવ;
ફાટે પછી ન મળે, કોટી જતન કરો ઉપાય.
ચાર ચિહ્ન હરિભક્તિ તણા, પ્રગટ દેખાય દે;
દયા ધર્મ આધીનતા પરદુ:ખને હરી લે.
મન, મોતી અને દૂધ જો એક વખત ફાટે પછી ગમે તેટલા ઉપાય કરો તોય તે તેના મૂળ સ્વરૂપમાં પાછા લાવી શકાતા નથી. તેથી તેનું સાચવી જતન કરવું જોઈએ. આવી રીતે જે વ્યક્તિને હરિ ભક્તિનો રંગ લાગ્યો હોય તેના હૃદયમાં સદૈવ દયા ભાવ સાથે યમ (અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ) અને નિયમ (શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઇશ્વર પ્રણિધાન)ને આધિન રહી પોતાનું જીવન નિર્વાહ કરતો રહે છે, આવી વ્યક્તિ નિતીયુક્ત ધર્મ, ઇશ્વર પ્રત્યે સહજ શરણાગત ભાવ અને પારકા દુ:ખ દૂર કરવા સદૈવ તત્પર રહેતા હોઇ આ ચાર સદગુણો તેનામાં સહજભાવે જોવા મળે છે. પિતાજી હંમેશા કહેતા જે મનુષ્ય આ ચાર સદગુણ ધરાવતો હોઇ તે કોઈપણ જાતિ, સંપ્રદાય કે ધર્મનો હોય અરે તે સાધુ હોય કે સંસારી તેનાથી કંઈ ફેર પડતો નથી. આવો મનુષ્ય સ્વયં તિર્થ સ્વરૂપ હોય તેના સાનિધ્યમાં રહેનાર વ્યક્તિ પણ મોક્ષનો અધિકારી બને છે.

RELATED ARTICLES

Most Popular